હૉંગકૉંગ : હજારો ફ્લાઇટો રદ થયા પછી આખરે ઍરપૉર્ટ ફરી શરૂ કરાયું

હૉંગકૉંગ Image copyright AFP

હૉંગકૉંગ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની છેલ્લા બે દિવસથી ખોરવાયેલી સ્થિતિ બદલાઈ છે અને ઍરપૉર્ટને ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે.

સત્તાધિકારીઓએ પ્રદર્શનકારીઓ પર અંકુશ મેળવી લેતા ઍરપૉર્ટ ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઍરપૉર્ટના મુખ્ય ટર્મિનલ પર સતત પાંચ દિવસથી વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં હતાં.

અગાઉ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું કે લોકો એકઠા થયા અને એનાથી ઍરપૉર્ટના સંચાલનને અસર થઈ.

છેલ્લાં દસ અઠવાડિયાથી પ્રદર્શનકારીઓએ હૉંગકૉંગને બાનમાં લીધું હતું.

આ પ્રદર્શનકારીઓ ચીનના પ્રત્યર્પણ બિલનો અને ગત રવિવારે થયેલા પોલીસ દમનનો વિરોધ કરી રહ્યા હતા.

એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં પોલીસ નજીકથી લોકો પર ટિયરગેસ છોડી રહી હતી.

એક મહિલાની તસવીર સામે આવી હતી, જેમાં તેમની આંખમાંથી લોહી નીકળતું દેખાતું હતું.

અહેવાલો પ્રમાણે આ મહિલા પોલીસ ગોળીબારમાં ઘાયલ થયાં હતાં, આ ઘટનાનો વિરોધ કરવા માટે કેટલાક પ્રદર્શનકારીઓ આંખ પર કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા.

ઍરપૉર્ટ મૅનેજમૅન્ટે એક નિવેદનમાં મુસાફરોને ઝડપથી ઍરપૉર્ટ છોડી દેવાની ચેતવણી આપી હતી.


સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ

Image copyright Getty Images

દુનિયાના સૌથી વ્યસ્ત ગણાતા ઍરપૉર્ટ્સમાંથી એક હૉંગકૉંગ છે અને અહીં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

સોમવારે જ અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને મંગળવારની સ્થિતિ પણ વધારે જુદી નહોતી.

હૉંગકૉંગ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર વર્ષે 120 ઍરલાઇન્સની 4 લાખ 28 હજાર જેટલી ફ્લાઇટ્સ લૅન્ડ અથવા ટેક ઑફ થાય છે.

વર્ષે અહીં આશરે 7 કરોડ 50 લાખ મુસાફરો આવે છે.

આ વિરોધની પાછળ ચીનનું એક વિવાદિત પ્રત્યર્પણ બિલ છે.


વિવાદિત બિલ

Image copyright AFP

આ વિરોધપ્રદર્શનો એક વિવાદિત બિલને લાવવાના કારણે શરૂ થયાં હતાં જેમાં એવી જોગવાઈ હતી કે આરોપીઓને ચીનમાં કેસ ચલાવવા માટે પ્રત્યર્પિત કરી શકાશે.

હાલ જે પ્રત્યર્પણ કાયદો છે તેમાં સંશોધનનો પ્રસ્તાવ હૉંગકૉંગની સરકાર ફેબ્રુઆરી મહિનામાં લાવી હતી.

તાઇવાનમાં એક વ્યક્તિ પોતાની પ્રેમિકાની કથિત રીતે હત્યા કરીને હૉંગકૉંગ પરત ફરી હતી. ત્યારબાદ કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

સરકારે આ બિલ પર રોક લગાવી દીધી છે, છતાં પ્રદર્શનકારીઓ અન્ય માગોને લઈને અડગ છે.

પોલીસ પર પ્રત્યર્પણ બિલવિરોધી પ્રદર્શનકારીઓ પર જરૂર કરતાં વધારે બળપ્રયોગ કરવાનો આરોપ લાગતા સ્થિતિ વધારે વણસી છે.

જોકે આ અચાનક થયું છે એવું નથી. તેની પાછળ પણ ઇતિહાસ છે, જે જણાવી શકે છે કે ખરેખર હૉંગકૉંગમાં શું ચાલી રહ્યું છે.


હૉંગકૉંગનો ખાસ દરજ્જો

Image copyright Getty Images

એ યાદ રાખવું જરૂરી છે કે હૉંગકૉંગ અન્ય ચીની શહેરો કરતાં અલગ છે. તે સમજવા માટે તેના ઇતિહાસ પર એક નજર કરવાની જરૂર છે.

હૉંગકૉંગ 150 કરતાં વધારે વર્ષો સુધી બ્રિટનની વસાહત હતું. 1842માં એક યુદ્ધ બાદ હૉંગકૉંગ ટાપુ બ્રિટનને સોંપવામાં આવ્યો હતો.

1984માં ચીન અને બ્રિટન એક સંયુક્ત ઘોષણાપત્ર પર સહમત થયાં હતાં. આના પ્રમાણે ભવિષ્યમાં હૉંગકૉંગને કેટલીક સ્વાયત્તતા અને સ્વતંત્રતા મળવાની હતી.

એટલે જ 1997માં સત્તાના હસ્તાંતરણ બાદ હૉંગકૉંગ ચીનનું વિશેષ ક્ષેત્ર બની ગયું અને 'એક રાષ્ટ્ર, બે વ્યવસ્થા'ની નીતિ અસ્તિત્વમાં આવી.

તેનો મતલબ એ થયો કે ઘોષણાપત્રના અંત સુધી હૉંગકૉંગ સૈદ્ધાંતિક રૂપે મુક્ત બજાર અને સ્વતંત્ર ન્યાયપાલિકા જાળવી શકે છે.

તેના પરિણામ સ્વરૂપે હૉંગકૉંગમાં તેની પોતાની કાયદા-વ્યવસ્થા છે, બૉર્ડર અને પોતાના હકો છે.

હૉંગકૉંગમાં અંગ્રેજોના સમયની કૉમન લૉ સિસ્ટમ છે અને તે એક ડઝન કરતાં વધારે દેશો સાથે પ્રત્યર્પણ સંધિ ધરાવે છે. તેમાં અમેરિકા, બ્રિટન અને સિંગાપોર સામેલ છે.


હૉંગકૉંગના લોકો પોતાને ચાઇનીઝ નથી ગણતા

Image copyright AFP

હૉંગકૉંગમાં રહેતા મોટા ભાગના લોકો પારંપરિક રીતે ચાઇનીઝ છે અને હૉંગકૉંગ ચીનનો ભાગ છે, તે છતાં મોટાભાગના લોકો પોતાને ચાઇનિઝ નથી કહેતા.

હૉંગકૉંગની યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે મોટાભાગના લોકો પોતાને હૉંગકૉંગર્સ ગણાવે છે.

માત્ર 11% લોકો જ એવા છે કે જેઓ પોતાને ચાઇનિઝ માને છે અને 71% લોકો છે કે જેમનું કહેવું છે કે તેમને પોતાને ચાઇનિઝ નાગરિક ગણાવીને ગર્વનો અનુભવ થતો નથી.

આ ભાવના યુવાનોમાં વધારે જોવા મળી રહી છે.

હૉંગકૉંગ પાસે તેનો અલગ કાયદો છે, ચીન કરતાં અલગ સંસ્કૃતિ છે અને તે 150 વર્ષ સુધી એક અલગ વસાહત હતું, એ ધ્યાનમાં રાખીને તેઓ પોતાને ચાઇનિઝ નથી ગણતા નથી.

કેટલાક પ્રદર્શનકારીઓએ હૉંગકૉંગને ચીનથી સ્વતંત્ર કરવાની પણ માગ કરી છે, જે ચીનની સરકાર માટે ખતરા સમાન છે.

પ્રદર્શનકારીઓનું માનવું છે કે જો પ્રત્યર્પણ બિલ પાસ થઈ જશે, તો હૉંગકૉંગ પર ચીન નિયંત્રણ મેળવી લેશે.

18 વર્ષીય પ્રદર્શનકારી માઇકનું કહેવું છે, "જો બિલ પાસ થયું તો હૉંગકૉંગ ચીનના અન્ય શહેરો જેવું બની જશે."

લોકોનું કહેવું છે કે ત્યારબાદ હૉંગકૉંગમાં ચીનનો કાયદો લાગુ થઈ જશે અને મન ફાવે તેમ લોકોની ધરપકડ કરી તેમને યાતનાઓ આપવામાં આવશે.

આ તરફ સરકારનું કહેવું છે કે સંશોધન જલદી પાસ નહીં થાય તો હૉંગકૉંગના લોકોની સુરક્ષા ખતરામાં પડી જશે અને શહેર અપરાધીઓનો અડ્ડો બની જશે.

સરકારનું કહેવું છે કે નવો કાયદો ગંભીર અપરાધ કરતા લોકો પર લાગુ થશે જેના અંતર્ગત ઓછામાં ઓછા સાત વર્ષની સજા છે.

અધિકારીઓનું એવું પણ કહેવું છે કે બોલવા તેમજ પ્રદર્શન કરવાની સ્વતંત્રતા સાથે જોડાયેલા મામલે પ્રત્યર્પણની પ્રક્રિયા અપનાવવામાં આવશે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ